વ્યક્તિને પગભર કરવો જીવનનું ઉમદા કાર્ય છે.

હું હાલમાં ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગુજરાત રાજયના ડિરેકટર તરીકે કાર્યરત છું. નિગમનો હેતુ બિનઅનામત વર્ગના લોકોને આર્થિક રીતે મદદ કરી તેના કુટુંબને પગભર કરવાનો છે. 

                        આ નિગમ દ્વારા, ગુજરાત રાજ્ય સરકાર, જનરલ કેટેગરીના લોકોને શૈક્ષણિક અને આર્થિક હેતુસર લોન અને સહાય આપે છે. જે વ્યક્તિ SC, ST કે OBC ની કેટેગરીમાં નથી આવતી, એવી વ્યક્તિઓ એટલે કે આપણે સામાન્ય રીતે જેને જનરલ કેટેગરી કે ઓપન કેટેગરી તરીકે ઓળખીયે છીએ તેમને માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોન અને સહાય આપવામાં આવે છે. નિગમ દ્વારા નવ પ્રકારની સ્કીમ મૂકવામાં આવી છે. જેની માહિતી નિગમની વેબ સાઈટ www.gueedc.gujarat.gov.in ઉપર મૂકવામાં આવી છે.

                        આજે મારે એમાની એક સ્કીમ એટલે કે સ્વરોજગારલક્ષી યોજના વિષય  ઉપર વાત કરવી છે.

                        જે વ્યક્તિ બિનઅનામત વર્ગમાં આવતો હોય અને જેની કુટુંબની આવક    રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય, તે આ સ્કીમનો લાભ લઈ શકે. એણે વેબ સાઈટ પર જઈ online ફોર્મ ભરી, ફોર્મ ડાઉનલોડ કરી જે તે શહેરના જીલ્લા અધિકારીને પોતાના ડોક્યુમેન્ટસ આપવાના હોય છે. સરકાર સ્વરોજગારની લોન માટે જાહેરાત આપે પછી એના અનુસંધાનમાં આ અરજી કરવાની હોય છે. ત્યારબાદ જે તે જીલ્લા કે શહેરમાં એ અંગેના લોન મેળાનું આયોજન કરવામાં આવે છે. લોન મેળામાં અરજદારને બોલાવી એમનો ઈન્ટરવ્યુ લઈ એમની જરૂરીયાત મુજબની લોનની મંજૂરી આપવામાં આવે છે. લોન લેનારે બે વ્યક્તિના જામીનખત આપવાના હોય છે. લોનની રકમ એમના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. લોન મળ્યાના ત્રણ માસમાં એમણે ધંધો શરૂ કરવાનો રહેશે. ધંધો શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરપાઈ કરવી પડશે.

 

                        સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.

૧.         અરજદાર ગુજરાતના ડોમીસાઈલ વતની હોવા જોઈએ.

૨.         અરજદાર બિનઅનામત વર્ગના હોવા જોઈએ.

૩.         અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ.

૪.         ધિરાણનો વ્યાજ દર પુરુષ માટે વાર્ષિક ૫% સાદુ વ્યાજ અને મહિલા માટે વાર્ષિક

            ૪% સાદુ વ્યાજ રહેશે.

 

                        દક્ષિણ ગુજરાતના પ્રભારી હોવાના નાતે મે અત્યાર સુઘીમાં વલસાડ, સુરત અને ભરૂચમાં ત્રણ કેમ્પ કર્યા. સુરતમાં ૬ દિવસના લોનના કેમ્પમાં ૪૮૯ અરજીમાંથી ૩૦૨ અરજદારને વિવિધ ધંધા માટે ૧૨ કરોડ, ૨૧ લાખ, ૬૬ હજારની લોન મંજૂર કરવામાં આવી. જયારે ભરૂચ મુકામે યોજાયેલા ૧ દિવસના કેમ્પમાં ૧૩૫ અરજીમાંથી ૯૮ અરજદારને વિવિધ ધંધા માટે ૩ કરોડ, ૪૪ લાખ, ૬૦ હજારની લોન મંજૂર કરવામાં આવી છે.

 

                        દરજીકામ, એમ્બ્રોઈડરી, ઝેરોક્ષ, સાયબર કાફે, એકાઉન્ટીંગ, જીએસટી-ટેલી સોફટવેર ઓફિસ, સ્ટેશનરીની દુકાન, ગૃહ ઉદ્યોગ, બ્યુટી પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર, આર્યુવેદિક સ્ટોર,  કરિયાણાની દુકાન, મંડપ સર્વીસ, ઓટો રીપેરીંગ, ફોટો સ્ટુડીયો, ઈલેક્ટ્રોનીક ગુડસ સેલ્સ અને સર્વિસ, સેન્ટીંગ કામ સાધનો, સિરામિકસ, માઈક સેટ,   સ્પેર

પાર્ટસ, કટલરીની દુકાન, કેટરીંગ, મોબાઈલ ફોન શોપ, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટસ સ્ટોર્સ, કોચીંગ કલાસ, પૂજાની દુકાન, પ્રીન્ટીંગ પ્રેસ, ગીફટ આર્ટીકલની દુકાન, પશુ આહારની દુકાન, હોમ ફીનીસીંગ સ્ટોર્સ, સોના-ચાંદીની દુકાન, એડવોકેટ, સીએની ઓફિસ વગેરે માટે લોન તથા ૧૦ લાખ રૂપિયાની બેન્કની લોન ઉપર, ૫% વ્યાજ સબસીડીની સહાય, નિગમ દ્વારા આપવામાં આવે છે.

Total Page Visits: 726 - Today Page Visits: 1