સંક્ષિપ્ત પરિચય

શ્રી રૂપીન પચ્ચીગર     શ્રી રૂપીન રમેશચંદ્ર પચ્ચીગર વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એઓ બી. કોમ., એલએલ.બી., એફ.સી.એ. ની ડિગ્રી ધરાવે છે. એઓશ્રીએ પોતાની બહુઆયામી પ્રતિભાથી શિક્ષણ, ઉઘોગ, વાણિજ્ય, વેપાર, સમાજકલ્યાણ તેમજ કલા જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં પોતાનું આગવું યોગદાન આપ્યું છે.

     શ્રી રૂપીન પચ્ચીગર હાલમાં રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી તરીકે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે. એઓશ્રી સુરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ ના ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે.

     શ્રી રૂપીન પચ્ચીગર હાલમાં “ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ” ના ડીરેકટર તરીકે સવર્ણ જ્ઞાતિઓના ઉત્થાન માટે કાર્યરત છે. તદુપરાંત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી ખાનગી સ્કુલોની ફી નક્કી કરવા માટેની “ફી રેગ્યુલેટરી કમિટિ” ના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

એઓશ્રી એ ભૂતકાળમાં નીચે મુજબના હોદ્દા સંભાળ્યા છે.

  • પ્રમુખ: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
  • ચેરમેન: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી
  • ચેરમેન: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત
  • ચેરમેન: સુરત બ્રાંચ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 
  • વાઈસ ચેરમેન: ધી વેસ્ટર્ન ઈન્ડિયા રીજીઅનલ કાઉન્સિલ ઓફ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા
  • પ્રમુખ: ગુજરાત રાજ્ય જેસીસ
  • પ્રમુખ: સુરત જેસીસ
  • પ્રમુખ: સાઉથ ગુજરાત પ્રોડકટીવીટી કાઉન્સિલ

     શ્રી રૂપીન પચ્ચીગરને ૧૯૭૮માં ગુજરાત રાજય નૃત્ય-નાટય અકાદમીનો “બેસ્ટ એકટર” નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના “શ્રેષ્ઠ નાટય કલાકાર” અને “શ્રેષ્ઠ નાટય દિગ્દર્શક” નાં પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યાં છે. ૨૦૧૮ માં એઓને સંસ્કાર ભારતી નામની રાષ્ટ્રીય સંસ્થા દ્વારા, નાટય પ્રવૃત્તિના સંર્વધન માટે “સંસ્કાર વિભૂષણ” એવોર્ડ અને “સંસ્કાર ભારતી” એવોર્ડ થી રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીના વરદ્દ હસ્તે નવાજવામાં આવ્યા હતાં.

     દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા પ્રકાશિત ‘ગુજરાત ૧૦૦ પાવરલિસ્ટ’ નામક પુસ્તીકામાં રાજયના ૧૦૦ સમર્થ ગુજરાતીઓની યાદીમાં રૂપીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ગુજરાત રાજ્યના ‘સમર્થ ગુજરાતી’ તરીકે એમનું અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યુ હતું. સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે અનન્ય પ્રદાન બદલ એમને રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ‘સંસ્કાર સંવર્ધક એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા હતા. એમણે અનેક ચર્ચા-સભાઓનું તથા અસરકારક વકતૃત્વકળાના તાલીમ શિબિરોનું સંચાલન કર્યું છે. “ચેનલ સૂરત” દ્વારા આયોજીત “અસરકારક વકતા બનો” નામક ટી.વી. શ્રેણી માં મુખ્ય વકતા તરીકે શ્રેણીનું સંચાલન કરી એમણે વકતૃત્વકળાનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી રૂપીન પચ્ચીગર દ્વારા લીખીત ત્રણ પુસ્તકો “અસરકારક વકતા બનો” “મારે સફળ થવુ છે” અને “જીવન નું સત્ય” સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. એમનું અંગ્રેજી ભાષામાં લખાયેલુ ચોથુ પુસ્તક “Be An Effective Orator” શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ છે.

     શ્રી રૂપીન પચ્ચીગરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના અધ્યક્ષ તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૭૦ શાળાને વિવિધ સાહિત્યકારો, સંતો, સ્વાતંત્ર સેનાનીઓ વગેરે મહાનુભાવોના નામ આપ્યા. આ નામકરણની વિધિ તે સમયના માનનીય મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવી હતી. જે ઘટનાને લિમ્કા બુક ઓફ રેકોર્ડસની ૨૦૧૧ ની ડાયરીમાં રેકોર્ડ તરીકે નોંધવામાં આવી છે. આમ શ્રી રૂપીન પચ્ચીગરને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યુ છે.

     સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તરીકેના એમના કાર્યકાળ દરમ્યાન, સોસાયટી દ્વારા ૨૦૦૮ માં, ઈવનીંગ કોમર્સ કોલેજની સ્થાપના, સર કે. પી. કોલેજના કેમ્પસમાં કરવામાં આવી. આ ઈવનીંગ કોમર્સ કોલેજ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક માત્ર ઈવનીંગ કોલેજ છે. આમ, યુનિવર્સિટીના ઈતિહાસમાં ઈવનીંગ કોમર્સ કોલેજ શરૂ કરી શ્રી રૂપીન પચ્ચીગર યુનિવર્સિટી શિક્ષણમાં વિશિષ્ટ પથદર્શક બન્યા છે.

* * * * * *